Friday, October 5, 2012

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ

અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું

એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા

અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા

એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા

એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો

જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને

એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર

એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ

પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.


-->
      અંગ્રેજોનો સૌથી મોટો અન્યાય : ગુજરાતનો દ્ઢવાવ હત્યાકાંડ
દ્ઢવાવના આદિવાસીઓ પર અત્યાચાર
          માનગઢ અને જલિયાંવાલ બાગ હત્યાકાંડ બાદ વધુ એક વાત વિસરાઈ ગઈ છે. જલિયાંવાલા બાગ હત્યાંકાડના માત્ર ત્રણ વર્ષ બાદ ઈ.. 1922માં પણ આવી જ બીજી ઘટના ઘટી સાબરકાંઠાના દ્ઢવાવમાં. દ્ઢવાવમાં પણ જલિયાંવાલા બાગ હત્યાકાંડ કરતા પણ મોટો હત્યાકાંડ સર્જાયો. જેમાં નિ:હત્થા અને નિર્દોષ આદિવાસીઓને ફરી નિશાન બનાવાયા. બ્રિટિશ શાસન વખતે ભારતીયો જ્ઞાતિ, ધર્મ અને સમાજના વાડા તોડીને આઝાદીની જંગમાં ઝંપલાવી રહ્યા હતા. જેમાં વનવગડામાં વસનારા દ્ઢવાવના ભીલવા આદિવાસીઓ પણ બાકાત નહોતા. નિરક્ષર આદિવાસીઓને આઝાદી માટે હામ ભીડવા માટે પ્રેરણા આપી રહ્યા હતા ભીલોના ગાંધી તરીકે જાણીતા મોતીલાલ તેજાવત. ..1922ની 7મી માર્ચે દ્ઢવાવના હરમાતાના કાંઠે એક સભા યોજાઈ. મોતીલાલ તેજાવતની આગેવાનીમાં ભીલવા આદિવાસીઓ ભેગા થયા હતા. આ સભાની જાણ થતાની સાથે જ બ્રિટિશ અર્ધલશ્કરી દળના અંગ્રેજ અમલદાર એચ. જી. સટ્ટે અહિં લશ્કર ખડકીને નિર્દોષ આદિવાસીઓ પર બેફામ ગોળીબાર કર્યો. 1200થી પણ વધારે આદિવાસીઓના પ્રાણ પંખેરું ઉડી ગયા
દ્ઢવાવના આદિવાસીઓ પર બેફામ વરસતી  ગોળીઓ
 આ ઘટના અંગે સંશોધન કરનારા પ્રૉ. અરુણ વાઘેલાના મતે, આ ઘટનામાં બારસોથી પણ વધારે લોકોના મોત થયા હતા. સ્થાનિકોના સાથેના તેમના સંવાદોમાં તેમને ખ્યાલ આવ્યો કે જેમ જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં લોકો જીવ બચાવવા કુવામાં કુદી ગયા હતા, તેમ અહિં પણ આદિવાસીઓ અહિની વાવમાં કુદી પડ્યા. પણ બ્રિટિશરોએ તેમને વાવમાં પણ વિંધિ નાખ્યા એટલું જ નહિ, બચવા માટે આમતેમ નાસી રહેલા આદિવાસીઓ પર ગોળીઓની બેફામ વર્ષા કરી. એટલે સુધી કે જીવ બચાવવા ઝાડ પર ચડી ગયેલા લોકોને પણ વિંધી નાખ્યા. અહિ આવેલા આંબાના ઝાડને વર્ષો બાદ કાપતી વખતે તેમાંથી પણ ગોળીઓ મળી આવી છે. એટલું જ નહિ 1980માં જ્યારે અહિની વાવમાં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે પણ તેમાંથી અનેક માનવઅસ્મી મળી આવ્યા હતા. જે સાક્ષી પુરે છે નવ દશકા પહેલા થયેલા લોહિયાળ અત્યાચારની
દ્ઢવાવ શહીદ સ્મારક
આ ઘટનાનો ઉલ્લેખ ઈતિહાસના પન્નાઓમાં તો નથી થઈ શક્યો પણ હા એ સમયે અ વિસ્તારમાં રહેતા અને ત્યારબાદ લંડન જઈ વસેલા એક પાદરીની રોજનીશીમાં આ ઘટનાનો ઉલ્લેખ જોવા મળે છે. બાકી હાલ તો બળીયાઓના પાળીયા પૂજાય તેમ રાજકીય નેતાઓએ બે અલગ અલગ શહીદ સ્મારકો બનાવ્યા છે. 1200 વૃક્ષો વાવીને 'શહીદવન' ઊભું કરાયું છે જે જાળવણીના અભાવે હાલ 'વેરાનવન' બની ગયું છે
દ્ઢવાવ શહીદ સ્મારક
    વાસ્તવમાં જે સલામીના હકદાર હતા તેઓ સદેહે જ દ્ઢવાવમાં દફન થઈ ગયા. સાથોસાથ મોતીલાલ તેજાવત અને ભીલવા શહીદોની શહીદગાથા પણ હાલ ગણ્યાગાંઠ્યા સ્થાનિકોની જ જૂબાને છે. માનગઢ હોય કે દઢવાવ, આ બન્ને જલિયાંવાલા બાગ કરતા પણ મોટાં હત્યાકાંડ હતા. પરંતુ ઉજળીયાત નહિ ભીલવા આદિવાસી પર થયેલા અત્યાચારને પીઠબળ આપવામાં સમકાલીન રાષ્ટ્રીય નેતાઓએ પણ રસ દાખવ્યો નહી. તેથી જ તો ગુજરાતની ધરા પરના આ લોહીભીના પ્રકરણ સૌ કોઈ વીસરી ગયા. આ ઘટનાને નવ દશકા કરતા પણ વધારે સમય વીતી ચૂક્યો છે. લોકો જલિયાંવાલ બાગ હત્યાકાંડને યાદ કરે છે ને અંગ્રજોને ધિક્કારે છે. પણ શાહુકારો અને ધનાઢય લોકોએ પોતાના હીત સાચવવા માટે અંગ્રેજો સાથે મળીને પ્રકૃતિપૂજકો પર જે અત્યાચાર કર્યો તે કોઈ યાદ કરતું નથી. ગુજરાતના શહીદોની આ શહાદતને કોઈ યાદ કરતું નથી. આ વાતો વિસરાઈ ગઈ છે.